માસિકદ્વયી : ૦૧ : દીકરાનો માને સવાલ

મા! દીદી કેમ દૂર જઈ બેઠી?
રમવા બોલાવું તો આવતી નથી ને વળી રહે છે એ મારાથી છેટી.

કહે છે મને કે હવે ત્રણ-ચાર દહાડા
મારે એનાથી દૂર રહેવાનું,
દહાડા તો ઠીક, બે ઘડી નહીં ચાલે
એ કેમ કરી મારે કહેવાનું?
ઓચિંતુ ક્યાંથી આ દુઃખ આવી પડ્યું જે
મસ્તીના બદલે સહેવાનું?
ટાઇમ નામની આ કઈ નવી મુસીબત, મા! અમારી દુશ્મન થઈ બેઠી?
મા! દીદી કેમ દૂર જઈ બેઠી?

કાગળમાં બાંધીને ચોરીછૂપીથી એણે
કચરાપેટીમાં કંઈ નાંખ્યું,
હુંય તે કંઈ ઓછો છું! ખાનગીમાં ધાપ મારી
મેં એ પેકેટ ખોલી કાઢ્યું,
હાય હાય મા! દીદીને એવું શું વાગ્યું કે
આટલું લોહી એણે સંતાડ્યું!
દર મહિને આવશે, પેલ્લું કે છેલ્લું નથી- કે’તી’તી તારી એ બેટી.
મા! દીદી કેમ દૂર જઈ બેઠી?

– વિવેક મનહર ટેલર
(૧૭-૦૫-૨૦૨૨)

જે લખ્યું નથી મેં, તે હું છું

મારાં કાવ્યો તો શબ્દો, બસ શબ્દો છે કેવળ, જે લખ્યું નથી મેં, તે હું છું,
તમને નજરે દેખાય છે એ કાયા છે કેવળ, જે નજરોની પાર છે તે હું છું.

ભીતરને છલકાવા ઇચ્છા થઈ ને
મેં છલકાવા દીધું, એ છલકાયું;
હાથ ઝાલી દુનિયાએ દીધેલી ભાષાનો,
દુનિયા-દીધું જ્ઞાન મલકાયું;
જે દુનિયાએ દીધેલા કાગળ પર અવતર્યો, કોણે કીધું કે તે હું છું ?

ફેંકી દો, પરજીવી અજવાળાં તકલાદી,
મુજને નિરખવા એ નક્કામાં;
અજવાળાં બધ્ધાં જ્યાં પૂરાં થઈ જાય
ત્યાં આવો, ત્યાં મારા છે ધામા,
અથવા તો દાટી દો જે કઈં મે લખ્યું છે, અંધારું ઊગશે તે હું છું.

– વિવેક મનહર ટેલર
(૦૮-૧૨-૨૦૨૩)

નજરોની પાર…. ….જર્મની, મે-2023

જીવનની ગાડી

જાજરમાન…. Bode museum, Berlin May 23

(મુસલસલ ગઝલ)

જીવનની ગાડી તો સીધી જતી‘તી
તમે ખુદ લિફ્ટ સ્વપ્નોને દીધી‘તી

ગલીકૂંચીના ચકરાવે ચડ્યા બાદ,
મજા તમનેય ફરવામાં પડી‘તી.

તમે માની લીધું, બગડી ગઈ છે,
પરંતુ ગાડી તો ઝાંપે પડી‘તી.

ઉતરવાનું હવે નામ જ ક્યાં લે છે?
ભલા થઈ ઇચ્છાની વરધી લીધી‘તી!!

તમારી ગાડી પણ ડ્રાઇવર છે બીજો,
ખરી શેઠાઈની પણ ચળ થઈ’તી.

સફર છોડી તમે પણ રેસમાં છો,
કહી શકશો હવે કંઈ આપવીતી?

સમય પર ગાડીથી ઉતરી જવાનું,
ભલે ખુદની હો ને હો ખૂબ ચહીતી.

-વિવેક મનહર ટેલર
(૨૯-૦૧-૨૦૨૦)

જીવનની ગાડી… બર્લિન, મે ૨૦૨૩

ખપલાયક

Tranquil……. ..at Statue of Unity, January 24

ખપમાં લેવા લાયક ન રહેલી
જૂની ઇચ્છાઓને
ટેવના ટેભા ભરી
દરવખતની જેમ એક ગોદડી સીવી કાઢી.
જ્યારે જ્યારે
ઠંડી જોર પકડે છે
ત્યારે ત્યારે
ગરમાટો મેળવવા
એ સરસ કામ આવે છે.
બાકીનો સમય
બેડ તળેના
ચોરખાનાંમાં
એને ઢબૂરી રાખું છું.
ઉપર બેડ પર હું સૂઉં છું
ત્યારે ભાગ્યે જ યાદ રહે છે કે
મારી બરાબર નીચે જ એ દબાયેલી પડી છે.
પણ શિયાળામાં
ઠંડી પડે ત્યારે
એને ખપમાં લેવાનું કદી ચૂકાતું નથી.

– વિવેક મનહર ટેલર
(૧૫-૧૦-૨૦૨૨)

એકલતા…. …બર્લિન, જર્મની, 2023

બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

चलो चलें मितवा…. માધવપુર, સૌરાષ્ટ્ર, 2023

જીવનના જે વળાંકે આવીને ઊભો છું હું ત્યાંથી બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!
ફગાવી દઈ બધા કિંતુ-પરંતુઓની વરણાગી, બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

મળ્યા જે પણ મને રસ્તામાં એ હરએક પાસેથી વધારે નહીં તો ઓછું પણ સતત મેં લીધે રાખ્યું છે,
જીવનભર ભેગાં કીધાં એ બધાંયે પોટલાંમાંથી બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

કોઈએ ઈર્ષ્યા આપી છે, કોઈએ શંકા ચાંપી છે, કોઈએ દ્રોહ, શ્રદ્ધાભંગ કે અપમાન આપ્યા છે;
કશું નહિ છોડવાની લ્હાયમાં અંતે ગયો થાકી, બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

મળ્યાં જે માન-કીર્તિ, સાચાં-ખોટાં રામ જાણે પણ, અહમ્ પાશેરથી વાધ્યો, થયો તે શેર-તોલો-મણ;
અખા! હલકાથી ભારીની એ તારી શીખને માની બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

વિતાવી છે ઘણી રાતો ઉઘાડી પાંપણો સાથે, કશું હાંસિલ થયું નહિ, બસ, કરચલીઓ પડી માથે;
ચિતાથી ભૂંડી ચિંતાને બનાવી શાથી મેં સાથી? બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

હવે રહીરહીને સમજાયું રહ્યો છું ઠેરનો ઠેર જ, કશે પહોંચી શકાયું ક્યાં ઉપાડી મનમુટાવોને?
રહે ગજગ્રાહમાં જે વ્યસ્ત એ આગળ વધે ક્યાંથી? બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

ગયાં એને નમન છે, ને જે આવ્યાં એને પણ વંદન; દીધાં હો ફૂલ કે પથ્થર – એ સઘળાંને નમું છું હું;
બધા માટે હૃદયમાં એકસરખી લાગણી રાખી બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

અરીસામાં પ્રથમવાર જ સ્વયં સામે નજર માંડી, કહ્યું એણે, ભીતર તો જો, પછી બનજે જગતકાજી;
સ્વીકાર્યું મેં, નમાવ્યું સિર, કહ્યું, ‘હા જી અરીસાજી! બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!’

તું બાવનબા’રો છે એ વાત લાગે છે હવે સાચી, મને પણ બાવને પહોંચ્યા પછી સાચી સમજ લાધી;
ભલે મોડી તો મોડી પણ સમજ જ્યારે ખરી આવી, બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

– વિવેક મનહર ટેલર
(૧૧/૧૬-૦૮-૨૦૨૩)

હવે આગળ વધું તો બસ….. …ગ્રે હેરોન, માધવપુર, સૌરાષ્ટૃ, 2023

અઢારમી વર્ષગાંઠ નિમિત્તે થોડી ગુફ્તેગૂ…

ભાંખોડિયાભેર ચાલતું બાળક બે પગે ઊભું થાય, ચાલતું થાય, ટીન-એજમાં હૉર્મોન્સના ઘોડે સવારી કરતું થાય અને અંતે અઢાર પૂરાં કરી પાકટ વયનું થાય એ આખોય ઘટનાક્રમ એના જન્મદાતા માટે આનંદ અને ગર્વની યાત્રા સમો હોય છે…

ગુજરાતી ભાષાની સર્વપ્રથમ સ્વરચિત કાવ્યોની મારી વેબસાઈટ – શબ્દો છે શ્વાસ મારા ~ www.vmtailor.com – આજે અઢાર વર્ષ પૂરાં કરી વયસ્ક બની છે…

વીતેલા અઢાર વર્ષમાં મેં એનું કર્યું એનાથી વિશેષ આ વેબસાઇટે મારું ઘડતર કર્યું છે એમ કહું તો એમાં જરાય અતિશયોક્તિ નથી. નિયમિતતાની સાથોસાથ એણે મને કટિબદ્ધતાના પાઠ પણ શીખવાડ્યા. એક-એકથી ચડિયાતા મિત્રો અપાવ્યા અને પુષ્પગુચ્છ અને કંટક –ઉભયને સમાનભાવે સ્વીકારતાં પણ શીખવ્યું.

૧૮ વર્ષ..
૭૦૦ થી વધુ રચનાઓ..
૧૫૦૦૦ થી વધુ પ્રતિભાવો…

મારી આ સાહિત્યસફર પણ એટલે જ સંભવ બની છે કે મિત્રોએ મને ક્યાંય એકલો પડવા નથી દીધો… વાચકમિત્રોના એકધારા સ્નેહનો હું સદૈવ ઓશિંગણ રહીશ.

…શક્ય હશે ત્યાં સુધી આ સફર જારી જ રહેશે… હા, આપના અનવરત સાથની અપેક્ષા રહેશે… જોડે રહેજો રાજ…

આભાર.
વિવેક

ઉદાસ ના થા

પ્રતીક્ષા…. ….સોમનાથ, નવેમ્બર 2023

ગયું એ આવતું નથી ફરી, ઉદાસ ના થા આમ,
પુરાણા ઘાવ હૈયે સાચવી ઉદાસ ના થા આમ.

ગયું એ આવતું નથી કદી, ઉદાસ ના થા આમ,
સ્મરણ બધું જ રાખે સાચવી, ઉદાસ ના થા આમ.

સમીપ હોય ના એ ના જ હોય એવું તો નથી,
નજર ન પહોંચે ત્યાં શું કઈં નથી? ઉદાસ ના થા આમ.

વહી ગયું એ પાછું ના ફરે એ સત્ય છે છતાં,
કદી શું જળ વિના રહે નદી? ઉદાસ ના થા આમ.

તું જેને ખોતર્યા કરીને તાજા રાખે છે સતત,
સમય એ ઘાવ પણ જશે ભરી, ઉદાસ ના થા આમ.

જરા તો ખ્યાલ કર, સ્વયં ઉદાસી થઈ જશે ઉદાસ,
તને સતત ઉદાસ નીરખી, ઉદાસ ના થા આમ.

– વિવેક મનહર ટેલર
(૧૧-૧૧-૨૦૨૨)

crucifixion by Andrea Mantegna, Louvre, Paris 2023

પ્રીતનાં ગીત

સ્મિત ખચિત…. …મોનાલિસા, લુવ સંગ્રહાલય, પેરિસ, મે-2023

બાર વરસના અબોલડા ને તેર વરસની પ્રીત*
કેવી રીતે ગાવાં મારે, કહો! પ્રીતનાં ગીત?

નથી ઇચ્છતું કરવા સહેજે કોઈ કોઈને દુઃખી
પણ એક સ્વભાવે રાતરાણી છે, એક છે સૂરજમુખી
દિલના દરિયાના તળિયામાં બંને મારે ડૂબકી
પણ હાથ શું આવ્યું કહેવા બાબત બંને સેવે ચૂપકી
મોતી ગોતી હાથમાં દેવા કે કરવા સંચિત?

સંધિકાળે રાત દિવસ લઈ હાથ, હાથમાં ઝૂમે
ક્ષિતિજ પર વળી લળીલળીને ગગન ધરાને ચૂમે
તાપ અથરો થાય ભલે ને, સાથ ન છોડે છાંય,
પણ આપણને બંનેને આ વાત ન કેમ સમજાય
કે અળગાં રહીને જોડાવું એ પ્રીતની સાચી રીત?

વિવેક મનહર ટેલર
(૩૦-૦૯-૨૦૨૩)

(*પુણ્ય સ્મરણ: જગદીશ જોષી
તેર વરસના અબોલડા ને બાર વરસની પ્રીત)

અડીખમ ઈરાદાઓની કવિતા…. એફિલ ટાવર, મે-2023

મને આભ ન જડે તો હવે તમારો વાંક

ચારમિનાર, હૈદરાબાદ, ઑક્ટોબર ૨૦૨૩

તમે વેળાસર ટહુક્યાં નહીં, હે સહેલીજી! વેળાસર દીધી ન હાંક,
મને આભ ન જડે તો હવે તમારો વાંક.

વરસોથી એમ તમે વહ્યે રાખ્યું છે
જાણે કાંઠાથી લેવા ન દેવા,
ઓચિંતું છલકીને ભીંજવો જો એક દી‘
તો કાંઠાને કેમ પડે હેવા?
વળી સંકોરી જાત થાવ વહેતાં તમે, થઈ અજાણ લઈ એવો વળાંક;
તો તો નીકળેને આપનો જ વાંક, હે સહેલીજી!
વેળાસર દીધી ન હાંક.

વાયરા કનેથી કહો, શીખ્યાં ન કેમ
સદા સાથે રહેવાનો મહાવરો?
વહેતો રહે કે પડી જાય યા ફૂંકાય તોય
મેલે ન આવરો ને જાવરો;
તમે મરજીથી આવો ને મરજીથી ગાયબ તો જીવતરના કેમ માંડું આંક?
બીજા કોઈનો શું કાઢવાનો વાંક, હે સહેલીજી!
વેળાસર દીધી ન હાંક.

– વિવેક મનહર ટેલર
(૧૦-૧૯/૦૩/૨૦૨૩)

ચાર મિનાર, હૈદરાબાદ, ઑક્ટોબર ૨૦૨૩

વિડિયો કૉલ

(વિહંગાવલોકન… ….આર્ક ડિ ટ્રોમ્ફ, એફિલ ટાવર પરથી, મે-23)

વાગ્યા ધ્રબાંગધમ્ ઢોલ,
છાતીના ઓરડાનો સદીઓનો સન્નાટો ઓચિંતો ભાંગ્યો, લે બોલ:
આવ્યો જ્યાં એક વિડિયો કૉલ.

‘કહી દઉં કે નહીં કહું?’ની ભીનીછમ માટીમાં
ખીલું-ખીલું વાણીની વેલ,
પણ નેણથી નેણ જ્યાં ટકરાયાં એ પળમાં
શબ્દોએ માંડ્યો કંઈ ખેલ,
કશુંય બોલવાનું રહ્યું ન સહેલ,
સ્મિતની એક નાની-શી વીજળી પડી ને અહીં ધરતી આખ્ખીય ડોલમડોલ.
આવ્યો જ્યાં એક વિડિયો કૉલ.

સ્ક્રીન પર તો આલિંગન-ચુંબન કંઈ થાય નહીં,
સ્ક્રીન પર વધાય નહીં આગળ;
તૃષા છિપાવવાના સ્થાને એ ભડકાવે
જાણે મયદાનવ રચ્યાં જળ-સ્થળ,
સમજ્યું સમજાય ના આ છળ,
ફરતોયે જાય અને વધતોયે જાય એવો વિરહનો આ તો ચકડોલ.
આવ્યો જ્યાં એક વિડિયો કૉલ.

– વિવેક મનહર ટેલર
(૧૯/૨૪-૦૪-૨૦૨૩)

 

 

(Les Invalides…
એફિલની ટોચેથી, પેરિસ, મે-23)

બે કાંઠા

વિહંગાવલોકન…. ….પેરિસ, એફિલની ટોચ પરથી, મે’૨૩

નદી વહી રહી છે. યુગોયુગોથી. નદી વહી રહી છે એ કારણે કાંઠાઓને અલગ રહેવું પડે છે. એ તો ટાંપીને જ બેઠા છે યુગોયુગોથી, કે ક્યારે નદી વહી જાય, પટ ખાલી થઈ જાય અને બંને કાયમ માટે એક થઈ શકે. સદહજાર અફસોસ પરંતુ. પ્રતીક્ષા બસ, પ્રતીક્ષા જ રહી છે. યુગોયુગોથી. પાણી એટલું ને એટલું જ રહે છે. ખતમ થતું નથી. પાણી અને પ્રતીક્ષા –બંને સ્થિર. પરિણામે કાંઠા અલગ.

.એક જ બિસ્તર પર
…અડખેપડખે
….સૂતા હોવા છતાં
……હું કે તું
……એકબીજાને
…….કેમ મળી શકતા નથી?
……..જે કંઈ તકલીફો,
………મનભેદો,
……….મતભેદો,
………..અહંકાર,
…………જિદ્દ,
………….ગજગ્રાહો,
…………..કલહો વિગ્રહો પૂર્વગ્રહો
……………જૂઠાણાં,
…………….અવિશ્વાસ,
……………..શંકા, સમાધાનો,
………………આપણા બેની વચ્ચે અડિંગો જમાવી બેઠા છે
……………….એને વહેતાં કરી દઈએ તો?

એક નદી આ પણ. બંધ બેડરૂમમાં બે જણ વચ્ચે વહેતી, બંનેને એકબીજાથી અલગ રાખતી. યુગોયુગોથી. આ નદી ઘણી વાર થીજી જાય. વહે જ નહીં. પ્રતીક્ષાની જેમ સ્થિર. જો કે દુનિયામાં કદાચ આ એક માત્ર નદી જ એવી છે, જે ભલે આખેઆખી વહી ન જાય, પણ ખાલી વહેતી જ કરી દેવામાં આવે એને, તોય એના બેઉ કાંઠા એકમેકને ચસોચસ મળી શકે. શું કહેવું છે!?

– વિવેક મનહર ટેલર
(૨૧-૦૯-૨૦૨૧/૩૦-૦૪-૨૦૨૩)

ધીરે વહે છે સેન…. ….પેરિસ, એફિલની ટોચ પરથી, મે’૨૩

હોઠેથી ‘તરસું છું’ ડોકાયું….

તેરા સાથ હૈ તો…. …Jungfraujoch, Switzerland 2023

*

ઉમળકો ભીતરનો એવો તો છલકાયો, હૈયું આ રોક્યું ન રોકાયું,
‘કહેવું જ નથી કંઈ’ના દરવાજા તોડીને હોઠેથી ‘તરસું છું’ ડોકાયું.

નક્કી જ રાખ્યું’તું કે કાઢીશ આ વેળા હું
જન્મોજન્માંતરની ખીજ,
ઘનઘોર ગંભીર કાળા મેઘાની ઓથમાં મેં
ગોપવીને રાખી’તી વીજ,
કાળવી અમાસ બારમાસી મેં ધારી’તી
ઓચિંતી થઈ ગઈ કેમ બીજ?
આપમેળે હોઠ એમ વંકાયા જાણે તારા આવવાનું વેણ ન હો ભોંકાયું!
હૈયું આ રોક્યું ન રોકાયું.

નામ તારું આંજીને રાખ્યું એ આંખ્યુંને
કાજળ-બાજળ તો શી ચીજ?
લાલી શા ખપની એ ચહેરાને
જેને તારા આવવાની પૂરણ પતીજ?
સાજણ જ સાચો શણગાર છે બસ, મારે તો,
બાકી જે છે સૌ ખારીજ.
અભરે ભરાઈ ડાળો ખાલીખમ જીવતરની, નામ જરા તારું જ્યાં ટૌકાયું.
હોઠેથી ‘તરસું છું’ ડોકાયું.

– વિવેક મનહર ટેલર
(૨૫-૦૩-૨૦૨૩)

*

નામ જરા તારું જ્યાં ટૌકાયું… …Jungfraujoch, Switzerland 2023

ઊંઘવામાં કેમ કરી ફાવું?



12 meters tall Giant Thumb (Caesar’s Le Pounce)… …@La Defence, Paris, May 2023



*

આંખે ટકોરા દઈ અડધી રાતે તું પૂછે, સપનામાં આવી- હું આવું?
હું પછી ઊંઘવામાં કેમ કરી ફાવું?

ઊંઘનો નાજુક કાચ તૂટે તડ્ડાક દઈ,
ઝીણી ઝીણી કરચો પથરાતી…
અડખામાં, પડખામાં, વલખામાં, મનખામાં
ધીમુંધીમું તું ભોંકાતી;
આ બાણશય્યા પર લોહીનીંગળતી પ્રતીક્ષાને ક્યાં લગી તાવું?

મધદરિયે ઊંડાણે હોય નહીં હલચલ કઈં,
વહેણ ન અવાજ ન ઉજાસ પણ;
મધરાતે અહીંયા પણ દુનિયા સ્થિર થઈ ગઈ છે,
ચાલવાનું વિસરી ગ્યા શ્વાસ પણ,
હવે નિશ્ચેતન ઘડિયાળમાં ટકટક ભરે એ વહાણાંનાં વહેણ ક્યાંથી લાવું?

-વિવેક મનહર ટેલર
(૦૧-૧૨-૨૦૨૨)

હરિત પથ…. …પેરિસ, મે-2023

અવઢવ

હરિતપથ…. …પેરિસ, મે-2023

*

બહાર વરસે છે વરસાદ,
ભીતર તરસી દે વર સાદ,
ઉંબરમાં લઈને ઉન્માદ,
જાવું શીદ એ અવઢવમાં ફસાઈ ગઈ છું હું આબાદ.

આભેથી જે વરસે છે, એ છે મારો પહેલો પ્યાર,
ખાસ મારા કિસ્સામાં,
જે આવી એના હિસ્સામાં,
ફોરાંઓના ખિસ્સામાં
સાચવી રાખી છે એણે, મારી કોડીઓ અઢાર;
થાયે કેમ પછી આ છોડી,
પળમાં આવું બંધન તોડી, એના કામણથી આઝાદ?

ભીતર જે તરસે છે, એ છે મારા મનડાનો ભરથાર,
એના પર હું વારી છું,
તન-મન, સૂધ-બૂધ હારી છું,
એનીય પ્રાણપિયારી છું,
ભીંજાવા એની વહાલપમાં મારા રોમ-રોમ તૈયાર;
એના સાદનો ઝાલી હાથ,
કરવો છે એની સંગાથ મારે હોવાનો સંવાદ.

બેઉથી સરખો છે લગાવ, તો બંનેને સાચવવા,
બે છાંટા બહારથી ઝાલી,
ચાલી, હું ઘર ભીતર ચાલી,
થવાને પિયુની વહાલી,
ક્ષિતિજ કહો તમે કે સંધ્યા, ચાહું સંધિકાળ જ મનવા;
સંગતની રંગત ઉજવીશ,
ભીની છું, ભીનો કરીશ, આપીને લઈશ હું સોગાદ.

– વિવેક મનહર ટેલર
(૧૭-૦૧-૨૦૨૩)

*

ક્રીડા…. Jardin des Tuileries, Paris, May-2023

તું જો આવી હોત તો –

તું જો આવી હોત ને તો- ..સ્વિટ્ઝર્લેન્ડ, મે-2023

તું જો આવી હોત તો આ બાંકડો ખાલી ન હોત,
આજીવન સ્થાયી રે’ એ યાદો શું ત્યાં સ્થાપી ન હોત?

હા, સરાજાહેર તો હૈયે તને ચાંપી ન હોત,
પણ હથેળી બે ઘડી શું સ્નેહથી દાબી ન હોત?

‘સૂર્યોદયમાં રોજ જેવો ઓપ ક્યાં એના વિના?’
– કેડી સાથે બાગે આવી ગોઠડી માંડી ન હોત.

રાતભર સાજે સજી તૈયાર થઈ એ ખુશબૂ પણ,
આપણી સાથે શું મૉર્નિંગ વૉકમાં મહાલી ન હોત?

‘તું નથી‘ની રિક્તતા નક્કી એ સરભર કરતી‘તી,
ફોન-સંગત અન્યથા કઈં આટલી ચાલી ન હોત.

ઢેલ કહી ગઈ કાનમાં કે, ખુશ થા, એ આવી નથી;
એ જો આવી હોત ને, તો આ ગઝલ આવી ન હોત.

-વિવેક મનહર ટેલર
(૨૦/૨૨-૧૧-૨૦૨૨)

waiting for Godot… ….સ્વિટ્ઝર્લેન્ડ, મે- 2023

તમે જ બાવન બા’રા

પારલૌકિક… સ્વિટ્ઝર્લેન્ડ, ૨૦૨૩

તમે જ અમારા બાવન અક્ષર, તમે જ બાવન બા’રા,
તમે અમારી શોધના દરિયા, તમે એકમેવ આરા.

કલમ તમે છો, તમે જ કાગળ, તમે જ ફકત લખાયા,
તમે અમારી કવિતાઓમાં ભાવ થઈ પથરાયા;
‘તમે મળો’ની કુંજગલીમાં અમે પૂરણ ભૂંસાયાં,
તમે અમારી એક જ મંઝિલ, તમે હરએક ઉતારા.

તમે અકળ છો, તમે સકળ છો, તમે છૂપા પરગટમાં,
તમે અમારી એક એક ઘટના, તમે અમારા ઘટમાં
તવસાગરમાં ડૂબકી દઈને અમે જે પામ્યાં ઝટમાં,
ભવસાગરમાં એ મોતી ના પામે કોઈ મછવારા..

– વિવેક મનહર ટેલર
(૦૨-૧૨-૨૦૨૨)

મારે પણ એક ઘર હોય…. સ્વિટ્ઝર્લેન્ડ, ૨૦૨૩

‘શબ્દસૃષ્ટિ’ના કવરપેજ પર…

સામયિકમાં છપાવવા માટે કવિતા મોકલી હોય અને એ છપાય એ તો સામાન્ય, પણ ગુજરાત સાહિત્ય અકાદમીના મુખપત્ર ‘શબ્દસૃષ્ટિ’ના કવરપેજ પર તંત્રી પોતાની પસંદગીની રચના મૂકે એમાં આપણી રચનાનો સમાવેશ થાય એ તો સ્વપ્ન બરાબર જ. જુન 2023ના શબ્દસૃષ્ટિના કવરપેજ ઉપર મને સાંપડેલ આવું સુખદ આશ્ચર્ય આપ સહુ સાથે વહેંચું છું…

સોનેરી થ્યો ઇંતજાર…

યુરોપનો ગરમાળો….. …પેરિસ, મે 2023

*

ખોટો જ વવાયો છે, ઉખેડી નાંખું, ચલ! પલ-પલ આ આવે વિચાર,
બળબળતી લૂમાં પણ લૂમે ન ફૂલ એવા ગરમાળામાં શું ભલીવાર?

ગત ભવનું લેણું કઈં બાકી હશે તે એના પ્રેમમાં હું આ ભવમાં પડ્યો,
દર વરસે એના પર માંડી રહું મીટ હું કે – હમણાં ફળ્યો, હમણાં ફળ્યો…
પણ ભવભવનો વેરી ના હોય જાણે એમ એને ફર્ક નહીં પડે તલભાર.
ખીલ્યો ના નફ્ફટ લગાર!

ગામ આખામાં જે કોઈ ઉગ્યા છે એ સૌ પર સેરોની સેરો લળુંબે,
ઘરનો આ વધ્યો તો બમણું પણ એના પર લીલી નિષ્ફળતા ઝળુંબે…
ડાળ-ડાળ પાંદ-પાંદ માંડીને બેઠો છે જાણે એ ઠઠ્ઠાબજાર.
વરસો આ ચાલ્યું ધરાર…

કીધું, ના કારવ્યું, બસ, અચિંત્યો ઓણ એણે પહેલો પીળો શ્વાસ લીધો,
વર્ષોની અડિયલ લીલોતરીમાં જાણે ખુદ સૂરજે જ ચાંપ્યો પલીતો.
ખોટો વવાયાનો તાજો વિચાર થયો રાતોરાત વાસી અખબાર,
સોનેરી થ્યો ઇંતજાર…

– વિવેક મનહર ટેલર
(૨૮-૦૪~૦૮-૦૫-૨૦૨૨)

*

ગરમાળો….. સ્વિટ્ઝર્લેન્ડ, મે 2023

હળવોહળવો હસ્તદાબ

હસ્તદાબ…. ….રાજા સીટ, કુર્ગ, 2023

શા માટે મધરાતે હૈયા પર વર્તાયો હળવોહળવો હસ્તદાબ?
ઓ સપના! તું દે ને જવાબ…

સદીઓથી ખાલીપો પગમાં પહેરી ચાલ્યે રાખ્યું એકાંત લઈ સાથમાં,
પગલાં કોઈના દે પગલામાં તાલ જાણે, હાથેય વર્તાય આજે હાથમાં;
નજરે ચડે ન એવા દેશમાંથી આવીને ઝાકળ જેમ ભીંજવે ગુલાબ..
હળવોહળવો હસ્તદાબ…

નક્કર આભાસ જાણે અણદીસતો કાચ, કદી નીકળી શકો ન આરપાર,
જીવતરનો બોજ સાવ હળવોફૂલ લાગે એવો છાતી પર વર્તાતો ભાર;
જિંદગી તો આવી છે રૂમઝૂમતી સામે પણ ચહેરા પર રાખી નકાબ…
ઓ સપના! તું દે ને જવાબ…

વણદીઠું, અણજાણ્યું, કોઈ તો છે જેના હોવાનો થ્યો છે વિશ્વાસ,
અડધી રાતેય મારા દીવડાની શગમાં કોઈ પૂરે છે તેલ જેવા શ્વાસ;
પલટાતાં પાસાંમાં નીંદર કચડાય તોય દિવસે તો અકબંધ રૂઆબ…
પણ જે કંઈ છે, છે લાજવાબ…

– વિવેક મનહર ટેલર
(૦૩-૧૧-૨૦૨૨)

વિસરાયેલી ધરોહર…. …હોયસાલેશ્વર (હાલેબીડુ), કર્ણાટક, 2023

બધું તકવાદી છે

જોડી…. …..રાજા’સ સીટ, કુર્ગ, 2023

આપણી સમજણ, સમાધાનો બધું તકવાદી છે,
એટલે સંબંધ વર્ષોનો છતાં તકલાદી છે.

રાત-દહાડો રાત-દહાડાની જ બસ બરબાદી છે,
શબ્દ, ઠાલા શબ્દ કેવળ આપણી આબાદી છે.

બેઉ બોલે: ‘હા, હું સઘળું સાંભળું છું, માનું છું’ –
પણ ખરે તો આપણો આ ‘હું’ જ ખરો વિખવાદી છે.

માર્ગ છે સામે જ પણ સૂઝે નહી લેવો કયો;
આપણી જેમ જ આ સમજણ પણ ખરી જેહાદી છે!

શું બચ્યું છે આપણામાં આપણા જેવું કશું?
આપણામાં શું કશું એવું છે જે સંવાદી છે?

છેલ્લી સહિયારી સિલક પણ પૂરમાં સ્વાહા થશે…..
માત્ર વરસાદી નથી, આ રાત જો! ઉન્માદી છે.

– વિવેક મનહર ટેલર
(૦૯-૧૧-૨૦૨૦/૧૭-૦૨-૨૦૨૨)

ચીંઘાડ…. ….નાગરહોલે વાઘ અભયારણ્ય, 2023

ગુફા-શિલ્પની ઉક્તિ

પથ્થર બોલે છે… …એકડ્ડલ ગુફાઓ, વાયનાડ, કેરળ, 2023


*

લ્યા! પથ્થરમાં તે કઈં જીવન હોય?
ના હોય?
હોય..
આ જો, અમે શ્વસીએ જ છીએ ને પથ્થરમાં?
તમને નથી પડતી પણ
આઠ-દસ હજાર વરસ પહેલાં પેલા લોકોને આ ખબર હતી.
એ આદિમ લોકો ગુફાના આ પથ્થરોમાં જીવન જોઈ શક્યા હતા.
ધારદાર પથ્થર કે લાકડાં કે પછી ભગવાન જાણે, છીણીહથોડા પણ હોય એમની પાસે..
પાક્કું તો હવે આજે મને પણ યાદ નથી.
જે હોય તે,
પણ ગુફાની દીવાલોને કોતરી-કોતરીને એમણે અમને બોલતા કર્યા હતા.
એમના માટે અમે એમના કોઈક ભગવાનનું પ્રતીક હતા.
કયા તે તો હવે અમેય ભૂલી ગયા છીએ.
તમે લોકો શ્વાસમાં હવા ભરો છો, અમે સમય!
પ્રાણવાયુ અને સમય – આ બે વચ્ચે ફરક એટલો જ છે કે
પ્રાણવાયુના કિસ્સામાં વાયુ રહી જાય છે, પ્રાણ છૂટી જાય છે,
જ્યારે સમય આમ ભલે સતત વહેતો કેમ ન અનુભવાતો હોય,
રહે છે ત્યાંનો ત્યાં જ. સ્થિર. અચળ. અમારી જેમ જ. પથ્થર જ ગણી લ્યો ને.
હજારો વરસોથી અમે સમય શ્વસતા અહીં ઊભા છીએ.
ટાઢ-તાપ અને વાયુ-વરસાદની વચ્ચે.
દિવસભર સૂર્ય અમારી ચામડી બાળે
તે રાત્રે ચાંદો આવીને મલમ લગાવી જાય છે.
વરસાદ ભીંજવી જાય ત્યારે વાયુ શરીર લૂછી આપે.
યુગયુગોથી આમ જ.
તમને લાગશે કે અમે તો પથ્થર. અમને શો ફેર પડે?
પણ જુઓ તો, અમે સુંવાળા થયા છીએ.
થોડા-થોડા નાના-મોટા કણ અમે આ બધાને ખવડાવ્યા પણ છે.
આજકાલ તમે લોકો અમને મળવા આવો છો.
તમને લાગે છે કે તમે અમને જોઈ રહ્યા છો.
કયા ભગવાન ગણીને અમને કંડારાયા હતા
એ તો મેં કહ્યું એમ અમે ભૂલી ગયા છીએ.
એની જો કે જરૂર પણ નથી.
તમે ભગવાનને નહીં, ઇતિહાસ શોધવા આવ્યા છો.
અગત્યની વાત એ છે કે અમે પણ તમને જોઈ રહ્યા છીએ.
અમે તમારા દીકરાઓ અને એના દીકરાઓ અને એના દીકરાઓને પણ જોઈશું
જેમને તમે જોઈ શકવાના નથી.
અને તમે કહો છો કે અમે પથ્થર છીએ. અમારામાં જીવન નથી.
લ્યા! પથ્થરમાં શું જીવન ન હોય?
કહો તો…

– વિવેક મનહર ટેલર
(૨૩-૨૪/૦૩/૨૦૨૩)

*

વારસો… …એકડ્ડલ ગુફાઓ, વાયનાડ, કેરળ, 2023

ચિત્રલેખા : ‘૫૧ ગૌરવવંતા ગુજરાતી’

ગમતાંનો ગુલાલ… …કારણ કે આ સફર આપ સહુના સ્નેહ વિના સંભવ જ નહોતી…

‘ચિત્રલેખા’ના ૭૨મા વાર્ષિક અંકની વિશેષ પૂર્તિમાં ‘૫૧ ગૌરવવંતા ગુજરાતી’માં સ્થાન પામવા બદલ સમસ્ત ચિત્રલેખા પરિવારનો હૃદયપૂર્વક આભાર.

હું ને તું ભેટ્યાં કે શું?

હું ને તું…. …હિમાલયન બુલબુલ, પાલમપુર, 2022

*

હું ને તું ભેટ્યાં કે શું?
ના.. ના.. ના..
આપણ બે જુદાં જ ન હોઈએ તો ભેટ્યાંને ભેટ્યાં જ કહીશું કે કંઈ બીજું?

આંખોમાં તું છે તો લોહીમાં જે વાંભવાંભ હિલ્લોળા લે છે એ કોણ?
બાંહોમાં હોય એ જ તું હો તો હૈયામાં ધકધક જે થાય છે તે કોણ?
કહે, ઓગળશે બંનેની સમજણ સૌ પહેલાં કે ઓગળીશું આપણ બે પહેલું?
નક્કી કર, હું ને તું ભેટ્યાં કે શું?

અળગાં જે હોય એને બાંધીય શકાય કોઈક રીતે ને કંઈકે સમ-બંધમાં,
અલગાવ જ લાગવા ન દે એ લગાવ અહીં વિકસ્યો છે ફૂલ ને સુગંધમાં;
આવા આપણા વળગવાને વળગણ કહીશું કે નામ દઈશું અદ્વૈત સમું ઊંચું?!
બોલ સખી, હું ને તું ભેટ્યાં કે શું?

– વિવેક મનહર ટેલર
(૦૨/૦૩-૦૭-૨૦૨૨)

*

હું અને તું… … દીવ, ૨૦૨૨

ફાગણની મોસમનો પહેલો કમાલ

*
ફાગણની મોસમનો પહેલો કમાલ જુઓ,
લીલો હતો તે થયો ગુલમોર લાલ, જુઓ.

પહેલાં પર અટકી રે’ એ શું કમાલ, ભઈ?
ગુલમોરના નામે જુઓ, કેવી ધમાલ થઈ?
ગરમાળા પીળા થ્યા, કેસૂડા કેસરી,
આંબાને પાન-પાન લૂમઝૂમતી મંજરી,
આભેથી આગગોળા વરસ્યા કે વહાલ, જુઓ!

કોકિલ બદમાશ કેવો! આભમાં કંઈ ચીતરે છે,
તડકાની હારોહાર ટહુકાઓ નીતરે છે,
ખાલીપો ખખડે છે વગડાના કણકણથી,
અભરે ભરાય છે એ સારસના ક્રંદનથી,
મોસમની મહેફિલના નોખા સૂરતાલ જુઓ…

સઘળું રંગાયું તો માણસ શેં બાકી રહે?
ક્યાં લગ એ લાલ-પીળા-ભગવાને તાકી રહે?
ફાગણના વાયુ સંગ કેવો આ નાતો છે?
બહારથી વિશેષ તો, ભઈ! ભીતરમાં વાતો એ,
હાથ હો કે હૈયું, છે સઘળું ગુલાલ, જુઓ…

– વિવેક મનહર ટેલર
(૨૬-૦૬-૨૦૨૨)

*

ખરી ઓળખ

सुहानी शाम ढल चूकी…. …ફોસિલ પાર્ક, ખડિર બેટ, કચ્છ, 2022

*

પછી
એક દિવસ
મેં
સાચવીને કબાટમાં મૂકી રાખેલ મારી ખરી ઓળખ
બહાર કાઢી
અને
પહેરી લીધી.

સવારે
હાથમાં છાપુ આપવા આવેલ મમ્મી,
ચાના ટેબલ પર પત્ની,
આદતવશ મારા બાથરૂમમાંથી શેમ્પૂ લેવા રૂમમાં આવેલ દીકરો,
ક્લબમાં રોજ સવારે અચૂક મળતા લંગોટિયા દોસ્તો
– બધા જ છળી મર્યા.
હુંય ગૂંચવાયો.
આમને આમ
ઓફિસે જવાની તો પછી મારી જ હિંમત ન થઈ,
એટલે નાહી લીધું
અને
કબાટમાં મૂકી દીધેલ
રોજવાળું સ્માઈલ અને રોજવાળો ચહેરો
ફરી પહેરી લેવા માટે કબાટ ખોલવા ગયો
તો અરીસામાં મને જોઈને
હું પોતે પણ…

– વિવેક મનહર ટેલર
(૦૪-૦૧-૨૦૨૩)

*

ગુંબજ…. …તુર્કી સ્થાપત્યની અસર, છત્તેડી, ભુજ, 2022

સૂરજ પડ્યો શું માંદો?

તમારી યાદનો માંડવો…. …છત્તેડી, ભુજ, 2022

*

સૂરજ પડ્યો શું માંદો?
દીસે છે કેવો, ઊગ્યો હો જાણે ધોળે દહાડે ચાંદો.!

રણમધ્યે પૂગવા આવ્યો પણ તીર ન એકે તાતા,
રસ્તાઓના ચહેરા જુઓ, જરા થયા ન રાતા;
ધુમ્મસના ગોટાય હજી પડ્યા છે આળસ ખાતા,
દિ’ તો થ્યો પણ દિ’ જેવા એંધાણ જ ક્યાં દેખાતા?
એય વિમાસે, ઊગીને આણે કાઢ્યો છે શો કાંદો?

નાડ બતાવો, સૂરજ જેવો સૂરજ શીદ અળપાયો?
કુપોષણ છે? થાક ચડ્યો? બોરિંગ લાગ્યો ચકરાવો?
વૈદ મેલે હથિયાર તો જોષી-ભૂવા પણ તેડાવો-
કિયા તે ગ્રહનો ગ્રહસ્વામી પર પડ્યો છે પંછાયો?
ધરતી-અંબર એક કરો, પણ આણો કંઈક ચુકાદો.

એકસરખા તો જાય નહીં ને કોઈના સુખના દા’ડા?
બીજું કશું નહીં, શ્રાવણ-ભાદોના જ છે આ ઉપાડા,
વાદળ-ધુમ્મસ, ભેજ-મેઘ તો હંગામી રજવાડાં,
આજ નહીં તો કાલ ઊતરશે ફરી તેજનાં ધાડાં;
શ્રદ્ધા રાખો, રાહ જુઓ, નબળી ક્ષણ વીતી જવા દો.

– વિવેક મનહર ટેલર
(૦૩/૧૩-૦૯-૨૦૨૨)

*

ધોળાવીરા, 2022

ઇતિહાસમાં જીવીશું!

કતારબંધ રંગો…. સફેદ રણ, ભૂરું તળાવ, હરિત કાંઠો, ગુલાબી સુરખાબ, ધોળાવીરા, 2022

*

અહેસાસમાં મરીશું, અહેસાસમાં જીવીશું,
હર શ્વાસમાં મરીશું, હર શ્વાસમાં જીવીશું.

સંપર્કના અષાઢો છો ને વહી ગયા પણ
આખું વરસ વિરહના મધુમાસમાં જીવીશું.

દુનિયાને કહી દો, વચ્ચે દરિયાઓ પાથરી દે,
આવ્યાં છીએ જે પીતાં, એ પ્યાસમાં જીવીશું.

એક બુંદ પણ બચે નહિ, જો જો, નકર અમે તો
એમાંથી થઈને પાછા સાજાસમા જીવીશું.

ઇતિ સમાપયેત્ – આ કહીને લખી છો વાળો,
રાખો લખીને આ પણ – ઇતિહાસમાં જીવીશું!

વિવેક મનહર ટેલર
(૨૯-૦૪-૨૦૨૨)

*

ઇતિહાસમાં જીવીશું….. …ફોસિલપાર્ક, ખડીર બેટ, કચ્છ, 2022

સત્તરમી વર્ષગાંઠ પર….

*

ગુજરાતી ભાષાની સર્વપ્રથમ સ્વરચિત કાવ્યોની આ વેબસાઈટ – શબ્દો છે શ્વાસ મારા ~ www.vmtailor.com – આજે સત્તર વર્ષ પૂરાં કરી રહી છે…

ગીત, ગઝલ, અછાંદસ, સૉનેટ, મોનોઇમેજ, મુક્તક, હાઈકુ, નઝમ, અંજનીગીત, અનુવાદ, ત્રિપદી, આકારકાવ્ય, ફ્યુઝન કાવ્ય અને બાળકાવ્ય – સાહિત્યના જેટલા પ્રકાર મારા માટે સંભવ બન્યા, એમાં યથાશક્તિ ખેડાણ કરવાની મારી વિનમ્ર કોશિશોને સદૈવ આપ સહુનો બિનશરતી પ્રેમ સાંપડતો રહ્યો છે એ જ મારું સદભાગ્ય…

૧૭ વર્ષ..
૬૫૦ થી વધુ રચનાઓ..
૧૫૦૦૦ થી વધુ પ્રતિભાવો…

આપ સહુ સ્નેહીજનો અને કવિમિત્રોની એકધારી હૂંફ અને સ્નેહ વિના આ કદી સંભવ બન્યું ન હોત… શરૂઆતથી માંડીને આજ દિન સુધી જે રીતે આપ સહુ મારી સાથે ને સાથે રહ્યાં છો, એ જ રીતે આગળ ઉપર પણ સદૈવ મારી સંગાથે જ રહેશો એ જ અપેક્ષા…

મારી લાગણી વ્યક્ત કરવા માટે આભાર શબ્દ અતિવામણો અનુભવાય છે…

દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે વેબસાઈટની મુલાકાત લેવાનું ચૂકશો નહીં…

અસ્તુ!

*

છૂટ છે તને / છૂટ ક્યાં છે, દોસ્ત ?



સાયુજ્ય…..
…ગ્રેટર ફ્લેમિંગો, ધોળાવીરા, 2022



*

અડધી રમતથી ઊઠવાની છૂટ છે તને,
તારી શરતથી જીતવાની છૂટ છે તને.

અડધી રમતથી ઊઠવાની છૂટ ક્યાં છે, દોસ્ત ?
મારી શરતથી જીતવાની છૂટ ક્યાં છે, દોસ્ત ?

વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે,
સીવેલા હોઠ લઈ જવાની છૂટ છે તને.

બોલો ન બોલો – બેઉમાં અંતર જરા નથી,
ભીતર જે છે એ ખોલવાની છૂટ ક્યાં છે દોસ્ત ?

ખાલી જગા સમાન આ જીવન હવે થયું,
પૂરી શકે એ પૂરવાની છૂટ છે તને.

ખાલી ન રાખ્યું જિંદગીમાં ખાલીપાએ કંઈ
ખાલી જગાય પૂરવાની છૂટ ક્યાં છે, દોસ્ત ?

મરજીથી તારી ગઈ છે તું, મનફાવે ત્યારે, યાર!
ખૂલ્લાં છે દ્વાર, આવવાની છૂટ છે તને.

મરજીથી જઈ શકાય ને પાછા ફરાય પણ
મરજીના દ્વાર ખોલવાની છૂટ ક્યાં છે, દોસ્ત ?

નિશ્ચય છે મારો, હું તને પામું આ જન્મમાં,
ચોર્યાસી લાખ વેઠવાની છૂટ છે તને.

ઇચ્છા કે એ મળે ને મળે આ જ જન્મમાં
એવું કશુંય ઇચ્છવાની છૂટ ક્યાં છે, દોસ્ત ?

આ આંગળીના શ્વાસમાં થઈ શબ્દની હવા,
આશ્રિતને પ્રાણ બક્ષવાની છૂટ છે તને.

શબ્દોને શ્વાસ માનીને જીવન વીતાવ્યું પણ
લીધા પછી ન છોડવાની છૂટ ક્યાં છે, દોસ્ત ?

છે તારી-મારી વાત, નથી દેહ-પ્રાણની,
રહી-રહીને પાછાં આવવાની છૂટ છે તને.

તારો ને મારો સાથ તો છે દેહ-પ્રાણનો
જાઓ તો પાછા આવવાની છૂટ ક્યાં છે, દોસ્ત ?

– વિવેક મનહર ટેલર
(૦૬-૧૧-૨૦૧૧/૧૮-૧૨-૨૦૧૭)

*

૦૬-૧૧-૨૦૧૧ના રોજ ‘અડધી રમતથી ઊઠવાની છૂટ છે તને’ની પ્રતિગઝલ લખવાનું મન થયું… એક-બે શેર લખાયા ન લખાયા ને અડધી રમતથી ઊઠી જવાનું થયું… પછીના છ વરસમાં ક્યારેક ક્યારેક આ પ્રતિગઝલ તરફ ફરવાનું થયું પણ અડધેથી છૂટી ગયેલી રમત પૂરી ન થઈ તે ન જ થઈ… આજે ૧૮-૧૨-૨૦૧૭ના રોજ અચાનક છે…ક છ વર્ષ પછી મળસ્કે પાંચ વાગ્યે આંખ ખુલી ગઈ અને પ્રતિગઝલ મનમાં વમળાવા માંડી. મોબાઇલ હાથમાં લીધો અને મોબાઇલમાં જ સડસડાટ આખી પ્રતિગઝલ લખાઈ ગઈ… જૂની અને આ નવી –બંને ગઝલ એકસાથે રજૂ કરું છું…

બે ગઝલ લખવામાં છ વર્ષ લાગ્યાં… પણ એને પૉસ્ટ કરવામાં બીજા પાંચ વર્ષ લાગ્યાં…
આ લાંબી પ્રતીક્ષા ફળી છે કે નહીં એ જણાવવાનું ભૂલશો નહીં… આપના પ્રતિભાવની હંમેશ મુજબ આકંઠ પ્રતીક્ષા રહેશે…

વિચારવાટે… (બે કાફિયાની ગઝલ)

જરા આ પાંખને ઓછી પ્રસારીએ, આવો…
…પેણ (પેલિકન), ધોળાવીરા, 2022

*

નીકળી શકી નથી જે એવી પુકાર માટે
ગઝલો લખી, કદાચિત્ ભીતરનો ભાર દાટે.

કોની ગઝલ ને કોના માટે હતી, ભૂલાયું!
અંતે તો માન કેવળ ગાયક અપાર ખાટે.

રાત્રેય છાનોમાનો દોડ્યા કરે છે સૂરજ,
એથી ચડી શકે છે રોજ જ સવાર પાટે.

હોડી તો લાખ ચાહે કે માર્ગ હો પ્રશસ્ત જ,
પણ ભાગ્ય બાંધી રાખે એને જુવાર-ભાટે.

એ યાર ક્યાં છે કે જે ઢાંકે સમસ્ત જીવતર,
નાનકડા ચીંથરાના જૂના ઉધાર સાટે?!

ચા ક્યારની ઠરી ગઈ, ઉપર તરી તરે છે…
નીકળી પડ્યા છે શાયર શાયદ વિચારવાટે

– વિવેક મનહર ટેલર
(૨૪-૨૯/૦૪/૨૦૨૨)

(*તરહી જમીન – હેમેન શાહ)

*

ઠસ્સો…
…નીલકંઠ (ઇન્ડિયન રોલર), ધોળાવીરા, 2022

આંધી! તું પૂરજોર આવ…

અમને ઉખાડી બતાવ… ….પાલિતાણા જતાં, ૧૫-૦૮-૨૦૨૨

*

આવ, આંધી! તું પૂરજોર આવ
અમને મૂળથી ઉખાડી બતાવ…

એક જ લપડાકમાં ઊડી ગ્યા હોંશ અને થઈ ગ્યા જમીનદોસ્ત સહુ,
ટકશું-ફંગોળાશું, બચશું-ના બચશુ – કંઈ પલ્લે પડે ના, શું કહું!
આમ તો તું આવીને ચાલી જાય, આંધી! પણ ઓણ સાલ લંબાઈ બહુ,
આ ગમ કે ઓ ગમ કે ચોગમ જ્યાં જ્યાં જુઓ, તારો જ દીસે પ્રભાવ,
કોને કહીએ કે અમને બચાવ ?!
આવ, આંધી! તું પૂરજોર આવ…

જોયો છે બોલ કદી, છોડ તેં લજામણીનો? અડતાવેંત આળપે જે જાત,
ડર્યો છે, મર્યો છે, માનીને હરખે એ હરખાની ભૂલ, બલારાત;
ડૂબ્યાને ડૂબ્યો ના ગણશો, સૂરજ ફેર ઉગશે જ થઈને પ્રભાત…
આલ્લે! અમેય ફરી સીધા થઈ ઊભા! નથી અમ પર કઈં તારો પ્રભાવ,
હતું ઝૂકવું એ કેવળ બચાવ…
અમને મૂળથી ઉખાડી બતાવ…

વિવેક મનહર ટેલર
(૧૬-૦૫-૨૦૨૨)

*

બહાર આવું કે? … …….સુગરી, પાલિતાણા જતાં, ૧૫-૦૮-૨૦૨૨

શ્વાનના માથે શકટનો ભાર છે…

દરિયા ઉપર સૂર્યાસ્ત… ઘોઘા હજીરા રો રો ફેરીમાંથી, ૨૦૨૨

*

નેજવે થીજ્યા સમયનો ભાર છે,
નહીં લખેલા ખતનો ઇંતેજાર છે.

આટલા તારા છતાં અંધાર છે!
ચાંદ છે કે કોઈ સરમુખત્યાર છે?

તું મળે છે એટલે તહેવાર છે*,
બાકીનું સૌ મારે મન વહેવાર છે.

એ તો નક્કી છે, ઉભયમાં પ્યાર છે,
તે છતાં તકરાર તો તકરાર છે.

આંખના ખૂણેથી અળગાં ના કરે,
કંઈ નથી કહેતાં છતાં દરકાર છે.

બાપના પગ ધરતી પર ટકતા નથી,
આમ માથે દુનિયાભરનો ભાર છે.

જોતજોતામાં ટીપાંની થઈ નદી,
જૂઠને પ્રસરી જતાં શી વાર છે?

એક કવિએ મીડિયાને માથે લીધું,
શ્વાનના માથે શકટનો ભાર છે…

– વિવેક મનહર ટેલર
(૦૬-૦૮-૨૦૦૫/૦૨-૧૦-૨૦૨૨)

(તરહી પંક્તિઃ શ્રી મનહરલાલ ચોક્સી)

રણમાં પથરાયેલ દરિયા ઉપર સૂર્યાસ્ત… સફેદ રણ, ધોરડો, ૨૦૨૨

બે અક્ષર…

*

X આઇ લવ યૂ બોલે,
કે તરત Y પણ આઇ લવ યૂ બોલે.
X ડાબે જાય તો Y પણ ડાબે જાય,
ને X જમણે તો Y પણ જમણે.
જાણે પડછાયો જ.
હરદમ સાથે ને સાથે.

એકવાર દુનિયાએ ધોબીવાળી કરી,
ત્યારે
X એ પાછળ ફરી જોયું
તો Y સાથે મળે નહીં.
X કહે-
આ જબરું.
તડકામાં પડછાયો ગાયબ?
Y કહે-
દુનિયા બોલે બુરા તો ગોલી મારો.
X કહે, સામી છાતીએ સાથે ઊભાં કેમ ન રહીએ?
Y કહે, ગોલી મારો.
કહે- આપણે સાથે છીએ એ જ આપણો જવાબ.

X એ રિવર્સ રામવાળી કરી.
એણે જાતે જ જંગલનો રસ્તો લઈ લીધો.
X બને Ex
તો Y કહે, Why?
X એ કહ્યું-

સાથે રહેવું
અને
સાથે ઉભા રહેવું
આ બે વચ્ચે આમ તો
બે જ અક્ષરનો ભેદ છે.
પણ આ બે અક્ષર જિંદગીના બે પગ જેવા છે.
બંને પગ કાપી નાખ્યા હોય તો
જિંદગી શી રીતે ઊભી રહી શકે
પોતાના પગ પર?
કહો તો…

– વિવેક મનહર ટેલર
(૧૧-૧૭/૦૯/૨૦૨૨)

*

ફરી ખીલ્યું કાસાર

એક બુંદ પણ બચ્યું નથી લગાર… કમળકાસાર, ડુમસ, મે ૨૦૨૨

*

તળ લગ જળનું એક બુંદ પણ બચ્યું નથી લગાર,
ખાલીખમ કાસાર,
કમળનાં ક્યાંથી મળે આસાર?

ઓણ તાપ વરસ્યો કંઈ એવો
ધરતીનાં ભીનાં સ્વપ્નોને અંગઅંગથી ફૂટ્યો લૂણો,
દૂર દૂર લગ આંખ જ્યાં પહોંચે
એ તો ઠીક પણ આંખમાં સુદ્ધાં બચ્યો ન એકે ભીનો ખૂણો,
સૂરજ ના ઊતર્યો ઊણો
તો પાણીનાં પાણી ઊતર્યાં ને ફાટ્યું પડી અપાર…
કમળનાં ક્યાંય નથી આસાર…

તરસ્યા પાસે સામે ચાલી
કૂવો આવે એવું કૌતુક થયું પ્યાસ જ્યાં આવી નાકે,
વાદળનાં ધણનાં ધણ આવ્યાં
કોઈ ન જાણે, ક્યાંથી આવ્યાં આમ અચાનક ને કોણ હાંકે?
હવે ના લગરીક બુંદો થાકે,
તિરકીટ તિરકીટ ધા ધા તિરકીટ થતું રહે દેમાર,
જુઓ તો, ફરી ખીલ્યું કાસાર.

– વિવેક મનહર ટેલર
(૩૧-૦૮/૧૬-૦૯-૨૦૨૨)

*

જુઓ તો, ફરી ખીલ્યું કાસાર… …કમળકાસાર, ડુમસ, ઓગસ્ટ ૨૦૨૨

આખ્ખું આકાશ પહેરી

આખ્ખું આકાશ…. . …નેત્રંગ, 2021

*

આખ્ખું આકાશ પહેરી આવી તું સામે, મને સૂઝયું નહી મારે શું કરવું,
ધડકન તો ધડકન, હું ચૂકી ગ્યો સાવ તારી તારીફનું પાનું ઉતરવું.

આમ તો પટોળું હતું આસમાની તોય ઝાંય વર્તાઈ સઘળે ગુલાબી,
ધરતીથી વ્હેંત-વ્હેંત ઊંચો હું ચાલું, જાણે હાથ લાગી ઊડવાની ચાવી;
વરસોનાં વહેણ એક પળમાં ભૂંસીને ઋત સોળવાળી પળમાં થઈ હાવી,
રોમરોમ નર્તંતા હોય એવી પળમાં શીદ પાંપણ ભૂલી ગઈ પલકવું?
ધડકન તો ધડકન, હું ચૂકી ગ્યો સાવ તારી તારીફનું પાનું ઉતરવું.

હાથોમાં હાથ લઈ ‘કેમ છો’ પૂછી, હોય શોધવાની બેસવાની જગ્યા,
કોફીના કપમાં ઓગાળવાના ધીમેથી મીઠા એ દિવસો, જે વહી ગ્યા;
નકશો તૈયાર હતો મનમાં પણ ટાણે જ અહલ્યાબાઈ થઈ ગયાં શલ્યા,
અંતરથી અંતરનું અંતર ઘટાડવાનું, ત્યાં જ અંતરનેટનું બટકવું…
મને સૂઝયું નહી મારે શું કરવું.

– વિવેક મનહર ટેલર
(૨૬-૦૨/૦૫-૦૬-૨૦૨૨)

*

વારકા બીચ, ગોવા, ૨૦૨૧

‘આઇ’ ઓગાળી શકે તો આવજે

….તો આવજે… નાયડા ગુફા, દીવ, ઓગસ્ટ, ૨૦૨૨


.

‘આઇ’ ઓગાળી શકે તો આવજે,
ખુદથી પર ધારી શકે તો આવજે.

મારી માફક દરવખત નહીં, એકવાર
જાણીને હારી શકે તો આવજે

કોઈ બદલાતું નથી, સ્વીકારું છું;
તુંય સ્વીકારી શકે તો આવજે.

આવવાનું છે એ તો નક્કી જ છે,
પણ જવું ટાળી શકે તો આવજે.

મીણબત્તી પળ બે પળ ચાલે તો બહુ,
સત્વરે આવી શકે તો આવજે.

હું જ હું બોલ્યા કરું છું રાત-દિન-
આ તું સમજાવી શકે તો આવજે.

– વિવેક મનહર ટેલર
(૧૧-૦૩-૨૦૨૦/૩૦-૦૮-૨૦૨૨)

*

…પણ જવું ટાળી શકે તો આવજે… નાયડા ગુફા, દીવ, ઓગસ્ટ, ૨૦૨૨

જિંદગી તોય કઈં ખરાબ નથી

પૈની નજર…. …યલો બિલ્ડ બ્લૂ મેગપાઈ, ગોપાલપુર, હિ.પ્ર., 2022

છો ને એ પૂરી કામિયાબ નથી,
જિંદગી તોય કઈં ખરાબ નથી.

જેને જે કહેવું હો એ કહેવા દો,
જિંદગીથી સરસ જવાબ નથી.

છોડી દો તાકઝાંક, વ્હાલાઓ!
જિંદગી છે, કોઈ કિતાબ નથી.

સાથી! વિશ્વાસથી વધી જગમાં
માન-અકરામ કે ખિતાબ નથી.

‘બેઉ દિલથી મળે ને મજલિસ થાય’-*
બેઉનું અન્ય કોઈ ખ્વાબ નથી.

તું છે સાથે તો છો ને રસ્તામાં-
કંટકો છે અને ગુલાબ નથી

રાજ કરીએ, બસ, એકમેક ઉપર,
તો શું કે આપણે નવાબ નથી.

સાંભળીને તમે ઝૂમો છો કેમ?
મારી ગઝલોમાં તો શરાબ નથી.

– વિવેક મનહર ટેલર
(૨૩-૨૪/૧૧/૨૦૨૧)

(*પુણ્યસ્મરણ: બે જણાં દિલથી મળે તો એક મજલિસ છે, ‘મરીઝ’)

ખૂણો

જીવનગાન…. …યુરિશિયન બ્લેકબર્ડ મેલ, મેકલિઓડગંજ, 2022

*
‘બાપા એટલે બાનો પા ભાગ’-
એમ મારા પપ્પા હંમેશા કહેતા.
અમે પપ્પાને કાયમ
‘જે કર ઝૂલાવે પારણું, તે જગત પર શાસન કરે‘ના વિરાટ ઓરડાના
એક ખૂણામાં સ્વેચ્છાએ રહેતા જ જોયા હતા.
અમારા જગત પર સાચે જ મમ્મીનું શાસન હતું.
પણ પપ્પા, મેં કહ્યું તેમ, સ્વેચ્છાએ
આ શાસનમાં એક ખૂણામાં ખુશ હતા.
આમ તો દુનિયાના બધા પપ્પાઓ જે કરતા આવ્યા છે
એ જ એ પણ કરતા.
નોકરીએ જવું,
સમય પર પગાર મમ્મીના હાથમાં મૂકવો,
સમયાંતરે અમને ચોપાટી ફરવા લઈ જવા,
અમારી સાથે અમારી ઉંમરના થઈ જવું,
દુર્વાસા જેવું મગજ છટકે તો એકાદ અડબોથ ઝીંકી દેવી વગેરે વગેરે…
દરેક બાળક માટે એના પપ્પા કુદરતી રીતે સુપર હીરો હોય
એ જ રીતે એ મારા માટે પણ હતા.
મારો ખભો એમના ખભા સાથે હું કાયમ મિલાવતો
અને ક્યારે એમને વટાવી જવાશે એની ગણતરી પણ કરતો.
કવિઓએ સદીઓથી ગાઈ-બજાવીને તોતિંગ બનાવી દીધેલા
મા નામના ઓરડા પર મમ્મીએ યથેચ્છ કબ્જો કર્યો હતો
અને અમે સૌ એમાં જ રાજીખુશીથી મોટાં પણ થયાં.

પેલો નાનકડો ખૂણો
આજે ખાલી થયો છે.
મા નામના વિશાળકક્ષની શરૂઆત જ ત્યાંથી થતી હતી,
આ વાતની સમજણ
હું પોતે બાપ બન્યો એ પછી જ મને પડી,
પણ ત્યાં સુધીમાં તો
જિંદગીની કરાડ પરથી
મોતની ખીણમાં એ જરા વહેલું ઝંપલાવી ચૂક્યા હતા.
હું આભારી છું એમનો,
એટલા માટે નહીં કે
તેઓ પેલો ખૂણો ખાલી કરી ગયા મારા માટે
પણ એટલા માટે કે
પૂરેપૂરા ચાલ્યા જવાના બદલે
તેઓ પોતાને મારામાં મારા માટે મૂકતા ગયા.

એમના જીવતેજીવ
હું ઘરના એ ખૂણાનું સાચું અજવાળું સમજી ન શક્યો
એટલે જે મારે સમય પર એમને કહી દેવું જોઈતું હતું
પણ કહ્યું નહોતું
એ આમ મારે કવિતાના ચોકમાં ઊભા રહીને
સરાજાહેર ચિલ્લાઈને કહેવું પડે છે-
આઈ લવ યુ, પપ્પા!

– વિવેક મનહર ટેલર
(૧૪-૦૬-૨૦૨૨)

*

યુરિશિયન બ્લેકબર્ડ ફિમેલ, મેકલિઓડગંજ, 2022

સૂરજની ગુલ્લી – વિવેક મનહર ટેલર

ચિત્રાંકન: ડૉ. કલ્પન પટેલ

*

આજે સવારે સૂરજ ઊગ્યો જ નહીં.
પૂર્વનું આકાશ થોડું ઊંચું કરીને મેં ભીતર ડોકિયું કર્યું.
સાલું, એ ક્યાંય દેખાતો જ નહોતો!
સૂર…જ… સૂ…ર…જ…
-મેં બૂમોય પાડી જોઈ-
ક્યાંક લાંબી તાણીને પડ્યો ન હોય,
આપણાથી ઘણીવાર થઈ જતું હોય છે એમ.
આખરે એય બિચારો થાકે તો ખરો જ ને!
ચાંદાને તો તોય અમાસની છુટ્ટી મળી જાય છે,
અને એ સિવાય પણ એણે રોજેરોજ
ફુલ પ્રેઝન્સ ક્યાં પુરાવવાની હોય છે?!
બે ઘડી આકાશમાં ડોકિયું કરવાનું મેલીને મેં નીચે જોયું.
આખી દુનિયા કન્ફ્યૂઝ હતી.
જે લોકોએ જિંદગીમાં આકાશ સામે જોયું નહોતું,
એય માળા બેટા આજે આકાશ તરફ જોતા હતા.
માણસો તો ઠીક, પંખીઓ સુદ્ધાં ભાન ભૂલી ગયેલ દેખાયાં.
અલ્યાવ ! બચ્ચાવ માટે ચણ લેવા કોણ જશે, મારો બાપ?
પણ હદ તો ત્યાં થઈ જ્યાં
નદી-ઝરણાં વહેવાનું છોડીને અટકી ગયેલાં દેખાયાં.
પછી મારી નજર દરિયા પર પડી.
મને એમ કે દુનિયામાં સૌથી વિશાળ ને વયસ્ક છે તો
એણે બધાની જેમ હથિયાર હેઠાં નહીં જ મૂકી દીધાં હોય..
લો કર લો બાત!
ન મોજાં, ન ભરતી, ન ઓટ.
અલ્યા! તું તે દરિયો છે કે કલ્પન પટેલે દોરેલું ચિત્ર?!
ને માછલીઓ પણ હવામાંથી ઓકિસજન મળવાનો ન હોય
એમ ડોકાં બહાર કાઢીને સ્થિર ઊભી હતી.
કાલે ક્યાંક પશ્ચિમમાં ડૂબ્યા બાદ સૂરજ ત્યાં જ ભૂલો પડી ગયો હોય તો?
– મને વિચાર આવ્યો.
મારે કરવું તો એ જ જોઈતું હતું કે ચાલીને પશ્ચિમ સુધી જઈ
ત્યાંનું આકાશ ઊંચકીને સૂરજને શોધી કાઢું
અને ઊંચકીને પૂર્વમાં લાવીને મૂકી દઉં.
પણ આખી દુનિયાને બંધ પડી ગયેલી ઘડિયાળના કાંટાની જેમ
અટકી ગયેલી જોઈને મનેય આળસ ચડી.
જો કે બધા જ આશાભરી નજરે મીટ માંડી ઊભા હતા
એટલે સાવ સૂરજ કે એ લોકોની જેમ નામુકર જવાનું મને સારું ન લાગ્યું.
વળી, હું સૂરજ તો હતો નહીં કે ફરજ ચૂકી જાઉં એ ચાલે.
હું તો કવિ હતો.
એટલે આખી રાત પાંપણની પછીતે સાચવીને રાખ્યું હતું
એ આંસુના એક ટીપાંને
મેં પૂર્વમાં ગોઠવી દીધું.
પત્યું!
એના અજવાળામાં
આખી દુનિયા તરત ધંધે લાગી ગઈ.

– વિવેક મનહર ટેલર
(૨૯-૦૬-૨૦૨૨)

*

ચિત્ર: ડૉ. કલ્પન પટેલ, સુરત

પાર્થ! તને એકલાને ક્યાં છે વિષાદ?

ઠસ્સો…. ….યલો બિલ્ડ બ્લૂ મેગપાઇ, મેકલિઓડગંજ, 2022

*

પાર્થ! તને એકલાને ક્યાં છે વિષાદ?
આ જો, રણમધ્યેથી નંદકુંવર નાનુડો પાડી રહ્યો છે મને સાદ!
મને ગોકુળિયું આવે છે યાદ..

હાથમાં જે રથની લગામ છે એ જાણે કે મા-બાંધી હીર તણી દોર,
ગોધૂલિવેળાની ઘૂઘરી છે ચારેકોર, ગાયબ રણભેરીનો શોર;
વણતૂટ્યાં શીકાં ને વણમાંગ્યા દાણ, જો ને, અહીં આવી કરે ફરિયાદ.
મને ગોકુળિયું આવે છે યાદ..

લોહી અને આંસુથી લાખ ગણું સારું હતું ગોરસ ને દહીં વહેવડાવવું,
થાય છે આ પાંચજન્ય સારો કહેવાય કે પછી મોરલીથી સૂરને રેલાવવું?
કોણ મને અહીં આવી ગીતાનું જ્ઞાન દઈ ગ્લાનિથી કરશે આઝાદ?
તને એકલાને ક્યાં છે વિષાદ?

-વિવેક મનહર ટેલર
(૧૯-૨૧/૦૫/૨૦૨૨)

*

Brooding…. …yellow billed blue magpie, MacLeod Ganj, 2022

લાગે છે શું જીવાતું?

દીવડો…. …પાલમપુર, ૨૦૨૨

*

હોઠે મિલનના કોણ આ ગીતો વિરહનાં ગાતું?
કિસ્મત! દે રૂબરૂ થઈ અમને જવાબ આ તું.

ભેળાં ન રહી શકાતું, અળગાંય ક્યાં થવાતું?
જીવન તો ચાલે છે પણ, લાગે છે શું જીવાતું?

આશ્ચર્ય! ‘આઇ’ નામે પહેર્યું છે વસ્ત્ર કેવું!
ઇચ્છે છે બેઉ તો પણ કાઢ્યું નથી કઢાતું.

પકડીને ફોન બન્ને બેઠાં છે ક્યારનાંયે,
દે છે અવાજ પીડા, મૌનેય ક્યાં ખમાતું?

ચાતકની પ્યાસ ક્ષણક્ષણ કંઠે કઠી રહી છે,
વરસે છે જ્યાં મિલન ત્યાં પહોંચી નથી શકાતું.

અપરાધ શો છે એની જાણ જ નથી છતાં પણ,
પહેલાની જેમ પાછું સાહજિક નથી થવાતું.

રાખે ન જિંદગી કઈં ચાખીને, તારવીને,
ખટમીઠું આપણાથી નક્કી નથી કરાતું.

દુનિયાના બંધનોની, બસ! આ જ છે હકીકત-
બાંધ્યા ન કોઈએ, પણ છૂટ્યા નથી છૂટાતું.

– વિવેક મનહર ટેલર
(૦૮-૧૬/૦૨/૨૦૨૨)

*

ઇસ મોડ સે જાતે હૈં…. …પાલમપુર, ૨૦૨૨

ગરમાળાનું ગીત…

ખીલ્યા સૂરજ ડાળે ડાળે..

*

કેવો ટ્વિસ્ટ લીધો ગરમાળે,
ઊગ્યા સૂરજ ડાળે-ડાળે.

લીલી નિરાશા ને વીલી પ્રતીક્ષાએ
સદીઓ લગ કેવો ટટળાવ્યો!
ખોટું વવાયાની ખાતરીને છેલ્લે પો’ર
સરપ્રાઇઝ આપીને જગાડ્યો,
અધખુલ્લી આંખો ને બારીમાં થઈને મને
પીળી આશાઓ પંપાળે…

શ્રદ્ધા-સબૂરીના સાઇનબૉર્ડ થઈ હવે
સેરોની સેરો ઝળુંબશે,
રોજ-રોજ થોડાં થોડાં તડકાના ટીપાંઓ
મારા હોવાને અજવાળશે;
મારા માટે છે હવે ઉજળો-હૂંફાળો
ઉનાળો જે દુનિયાને બાળે.

– વિવેક મનહર ટેલર
(૧૫-૦૫-૨૦૧૯)

*

ઉષ્ણચક્ર…

તું જો મારી છે તો શીદ મળતી નથી?

ગ્રામીણ સૌન્દર્ય…. સાંગાનેર, ૨૦૨૧

જો તું મારી છે તો શીદ મળતી નથી?
આ જ ઇચ્છા છે ને એ ફળતી નથી.

સાંજ કેવી આવી છે! ઢળતી નથી,
રાત પણ માથે જ છે, ટળતી નથી.

પીડ કેવી? આંખ પણ કળતી નથી,
કળ નથી વળતી છતાં કળતી નથી.

ખુશબૂ જે રીતે પવનમાં જઈ ભળે,
એમ તું મારામાં ઓગળતી નથી.

જાત શબ્દોથી કરી અળગી છતાં,
મત્સ્ય માફક કેમ ટળવળતી નથી?

આંગળી રથની ધરી વચ્ચે ધરી,
તોય કોઈ વર થઈ ફળતી નથી.

કેવી ઇચ્છા છે કે જે ફળતી નથી?
જિંદગી મારી મને મળતી નથી.

– વિવેક મનહર ટેલર
(૧૦/૨૦૨૦-૨૦/૦૩/૨૦૨૧)

ચાલો, હવે ઘર ઢાળા… સાંગાનેર, ૨૦૨૧

…પણ હું તો છું પિંજરમાં કેદ!

નીલ ગગન કે તલે… …હિમાલયન ગ્રિફન વલ્ચર, મેકલિઓડ ગંજ, ૨૦૨૨

*

આભ મહીં ઊડનારું પંખી તું ઝંખે પણ હું તો છું પિંજરમાં કેદ,
મને ઊડવાનો નથી નિર્વેદ, પણ તને આટલું હું કહું છું સખેદ.

ઝરણાંને બાંધ્યાં બંધાય નહીં, કલરવ પણ કંઠ મહીં કેમ રહે બંધ?
વેલીને વધવાની સાથે, ને વાયુને વહેવાની સાથે સંબંધ;
કુદરતમાં કોઈનોય આઝાદી સાથે શું જોવા મળે છે વિચ્છેદ?
ના કોઈ સરહદ, ના ભેદ,
…પણ હું તો છું પિંજરમાં કેદ.

પણ મારા પગને તો જોડામાં રહેવાનું શિખવાડાયું છે જનમથી,
કાયા જેમ કપડાંમાં એમ મારું હૈયું પણ છાતીમાં રહે છે નિયમથી,
દુનિયાએ બાંધેલા નિયમોની વાડ મારી આંખોને માટે છે વેદ.
ક્યાંય ના કો’ બારું- ના છેદ
મને ઊડવાનો નથી નિર્વેદ.

અડચણ જગ આખાની જાઉં વળોટી પણ જાતને વળોટવાની કેમ?
તાણાવાણા જે ગળથૂથીએ ગૂંથ્યા એ તોડતા શીખવશે શું પ્રેમ?
ઓગાળ્યે ઓગળતો કેમ નથી ભીતરની સાંકળ પર જામેલો મેદ?
મેં તો લોહીનોય કર્યો પ્રસ્વેદ…
બસ, આટલું હું કહું છું સખેદ.

– વિવેક મનહર ટેલર
(૨૮-૦૨-૨૦૨૧)

*

કેચ મી ઇફ યૂ કેન… …હિમાલયન ગ્રિફન વલ્ચર, મેકલિઓડ ગંજ, ૨૦૨૨

મૂંઝારો

ડૂબકી…. … અમૃતસર, ૨૦૨૨

*

કૃષ્ણના જીવનમાં અક્રૂર અને ઉદ્ધવની નાની પણ બહુ મહત્ત્વની ભૂમિકા હતી. વળી, બંનેની ભૂમિકા અલગ હોવા છતાં એકસ્તરે એકરૂપ પણ થતી જણાય છે. કૃષ્ણના પરાક્રમો વધતા જતાં કંસે એને તેડાવવા અક્રૂરને મોકલાવ્યા. અક્રૂર કૃષ્ણને મથુરા લઈ આવ્યા. ગોપીઓ પોતાના વિરહમાં સૂધબૂધ ખોઈ બેઠી હોવાની જાણ થતાં કૃષ્ણએ ઉદ્ધવને પોતાને ભૂલી જવાનો સંદેશ આપવા વૃંદાવન મોકલ્યા, કારણ કે કૃષ્ણ કદી પાછા ફરનાર નહોતા. કાયા અક્રૂર તાણી ગયા, હવે માયા-યાદો ઉદ્ધવ લેવા આવ્યા. અહીંથી આગળ…

*

ઉદ્ધવજી! આ છાતીમાં જે થાય મૂંઝારો,
જાવ અને જઈ કાનાની વહીમાંય ઉધારો…

ક્રૂર બડો અક્રૂર તે માંગ્યો કાનકુંવરનો લાગો,
તમે હવે આવીને કહો છો, યાદોને પણ ત્યાગો!
કાયાની માયા તો મેલી, હૈયું શાને માંગો?
ના શામો તો કંઈ નહીં, કિંતુ શાને લ્હાય વધારો?

એને માટે ભલેને દુનિયા આખી હો રાધિકા,
મારે મન તો એની યાદો એ જ અઠેદ્વારિકા;
મહીં મહી નહીં, જાત ભરીને હજુ ટાંગીએ શીકા,
કહો, ફૂટ્યા વિણ જન્મારો ક્યાંક ન એળે જાય, પધારો…

– વિવેક મનહર ટેલર
(૦૪-૦૧-૨૦૨૨)

ખજ્જિયાર, ૨૦૨૨

તું ના આવે એ ચાલે?

પ્રકૃતિનો રંગપર્વ…. …. સૂર્યાસ્ત, મેકલિઓડગંજ, હિમાચલ પ્રદેશ, ૨૦૨૨

*

સરસ મજાના ઇન્દ્રધનુષી રંગ લગાવું ગાલે,
ફાગણિયાના ફાલે, રમીએ ભીનાંભીનાં વહાલે,
ને તું ના આવે એ ચાલે?

કેસૂડા તત્પર છે લઈને હાથ કલમ ને કિત્તા,
તું આવે તો ગીતો લખશે, ના આવે તો કિટ્ટા;
સજીધજીને તારા માટે ખડી છે સૃષ્ટિ આ, લે;
હૈયું નાચે ધ્રબાંગ તાલે, તારી ખોટ જ સાલે,
ને તું ના આવે એ ચાલે?

ઊભો છું સદીઓથી લઈને નજરોની પિચકારી,
દિલમાં ઊતરી અંદરથી છે રંગવાની તૈયારી;
અરમાનોની ટોળી જો ને, પૂરજોશમાં મ્હાલે,
આજ કરીએ જીવ-શિવ એક, કાલની વાતો કાલે,
ને તું ના આવે એ ચાલે?

– વિવેક મનહર ટેલર
(૧૦-૦૩-૨૦૨૦)

ધૂમકેતુ

ઝાંખી…. ….. તાપી તટે, ૨૦૨૨

(મંદાક્રાંતા)

સંધ્યાટાણે હું વનવગડે એકલો નીકળ્યો’તો,
નિરુદ્દેશે વિજન પથ પે સ્વૈરવિહાર કાજે,
લંબાવ્યું કો’ પડતર બીડે, ઊતરી રાત માથે,
સર્જાતું ત્યાં ફલક પર જે ચિત્ર, એને હું જોતો.

તારાઓની ટમટમ મહીં દૃષ્ટ આકાશગંગા,
નક્ષત્રો ને અનુપમ ગ્રહો, ચંદ્ર પાછો અનન્ય;
સૌની કાંતિ, કદ, સ્થળ – જુઓ! આગવાં ને અલભ્ય,
થોડી થોડી વધઘટ છતાં સ્થિર સૌ એકધારા.

મારી ચારેતરફ વસતી વસ્તી પોતેય આવી –
કોઈ આઘું, નિકટતમ કો’, ખાસ-સામાન્ય કોઈ,
સંબંધોમાં અગણિત વળી ધૂપછાંવેય જોઈ,
સૃષ્ટિ ભાતીગળ નિત, છતાં એક જેવી જણાતી.

હૈયે કોઈ ટૂંક સમયમાં સ્થાન એ તોય લેતું,
જે વર્ષોમાં જ્યમ નભ મહીં એકદા ધૂમકેતુ.

– વિવેક મનહર ટેલર
(૦૭/૦૧-૦૮/૦૧/૨૦૨૨)

મુલાકાત…. … કમળ તળાવ, ડુમસ, સુરત ૨૦૨૨

એક તારા અવાજના ટાંકણે…

સાચવી સંકોરીને…. દમણ, ૨૦૨૨

સાચવી-સંકોરી મેં કાચની એક પેટીમાં બંધ કરી દીધી’તી જાતને,
થઈ ગઈ સમૂચી એ પળભરમાં ચકનાચૂર, તારા અવાજ તણા ટાંકણે.

બેઉ જણે સમજી-વિચારીને કીધા’તા મળવાના દરવાજા બંધ,
ધ્યાન પાછું બંનેએ રાખ્યું’તું એનું કે બારસાખને આવે ન ગંધ,
દરવાજા ભીંતોમાં ફેરવાતા ગ્યા અને હું-તુંમાં ફેરવાયાં આપણે.
એક તારા અવાજ તણા ટાંકણે…

ડૂબ્યાં’તાં બંને જણ નિજનિજના દરિયામાં વણકીધી વાતોનો ભાર લઈ,
ઓચિંતો પરપોટો લઈ આવ્યો બહાર, બોલ, ક્યાંથી ને કેમની આ વહાર થઈ?
સદીઓની દૂરી ને જન્મોના મૌન પછી એકાએક સૂઝ્યું’શું આ તને?
એક તારા અવાજ તણા ટાંકણે…

– વિવેક મનહર ટેલર
(૦૭-૧૨-૨૦૨૧)

પૂરાં કીધાં છે પચ્ચીસ…

Two-gether…

*

ભીંસ હજી ભીંસ હજી ભીંસ હજી ભીંસ
હૈયું ચીરીને છેક ભીતરથી નીકળે ના જ્યાં સુધી વહાલપની ચીસ.

ત્સુનામી, ધરતીકંપ, આંધી-વંટોળ અને જ્વાળામુખીય ઘણા ફાટ્યા,
સોંસરવાં ખંજર હુલાવી હજારવાર ખુદને ખુદ જીવતેજીવ દાટ્યા;
સાંધો જ્યાં બાર, તેર તૂટે એ દહાડા વલોવીને અમરતને ખાટ્યા,
અને બાર વત્તા તેર એમ માંડી હિસાબ આજ પૂરાં કીધાં છે પચ્ચીસ.
હજી કાઢીએ એકાદ-બે ‘પચ્ચીસ?’

હાથોમાં હાથ લઈ એવો સંગાથ કીધો, મારગ ખુદ ભરતો સલામી,
માઇલોના પથ્થર વિચારે છે- ‘વીતવામાં જલ્દી કરી બેઠા ખાલી;’
ઉંમરનાં પાન પીળાં પડતાં ગ્યાં એમ એમ છોડ ઉપર વધતી ગઈ લાલી,
હવે ઢળતા સૂરજની સાખ દઈએ એકમેકને, આગલા જનમના પ્રોમિસ,
ના, ના, ભવભવ તને જ પામીશ.

– વિવેક મનહર ટેલર
(૨૫-૦૧-૨૦૨૨)

*

ચલો દિલદાર ચલો…. … મલેશિયા, ૨૦૧૮

ક્યાંય કવિતા ના પામ્યા…

Twogether…. કિલ્લો, મોટી દમણ, ૨૦૨૧

*

એક પછી એક સામયિકોનાં પાને પાનાં ઉથલાવ્યાં,
શબ્દોનાં ધાડાં મળ્યાં પણ ક્યાંય કવિતા ના પામ્યા;
મનજીભાઈ તો મૂંઝાયા…

રદીફ કાફિયાના ડબ્બા લઈ બે મિસરાના પાટા પર,
ગોળ ગોળ કાપ્યે રાખે છે ગઝલોની ટ્રેનો ચક્કર;
બેતબાજી ને તુકબંધી, લ્યો! ડબ્બે ડબ્બે સચરાચર,
પણ એકેમાં કયાંય જડે નહીં શેરિયત નામે પેસેન્જર,
સ્ટેશન-બેશન છે જ નહીં, આ ક્યાં બેઠા? શીદ ચકરાયા?
મનજીભાઈ તો મૂંઝાયા…

થોડી ગઝલો, થોડાં ગીતો, થોડાં અછાંદસ, સૉનેટો,
સૂંઠના ગાંગડે ગાંધી થાવા નીકળી પડ્યા છે પંડિતો,
પદક્રમને લાતે ફંગોળો, વ્યાકરણને બે મુક્કા ઝીંકો,
તમે છો સર્જક, તમે છો બ્રહ્મા, મનમરજી પડે એ છીંકો…
બોડી બામણીનું ખેતર છે, વિવેચક સૌ કુમ્ભકર્ણાયા…
મનજીભાઈ તો મૂંઝાયા…

સંપાદકને મેગેઝીનના પાનાં ભરવાથી મતલબ છે,
કોણ છે નવરું જોવા કે બકવાસ લખ્યું છે કે કરતબ છે?
કંઈ ન હો તો સૉશ્યલ મીડિયા હાજર જ છે ને અનહદ છે,
લાઇક્સ, કમેન્ટ, ને શેરની દુનિયા, નેતિ નેતિની સરહદ છે,
કોણ નથી ખેંચાયું વાટકી વહેવારના દરિયામાં, ભાયા?
મનજીભાઈ તો મૂંઝાયા…

– વિવેક મનહર ટેલર
(૨૮-૨૯/૧૦/૨૦૨૧)